મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી એટલા દુઃખી અને વ્યથિત થયા છે કે તેઓ સ્વયં હાથમાં પાવડો-ઝાડુ લઈને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓ સાથે મળીને વિધાપીઠના પરિસરમાં જાતે શ્રમયજ્ઞ કરીને સફાઈ કરી.
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ છેલ્લા પંદર દિવસથી વિધાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. પોતાની જાતને ‘ગાંધીયન’ ગણાવતા વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની ગઈ છે. પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, “આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય.” તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે. સ્નાનગૃહોમાં તમાકુના પાઉચ, તૂટેલી પાઇપો અને છાત્રાલયની ગંદી દીવાલો, તૂટેલા પંખા, વિદ્યાર્થીઓના બેહદ ગંદા બિસ્તર અને પારાવાર ગંદકી જોઈને આચાર્ય દેવવ્રતજી અત્યંત વ્યથિત થયા હતા.
પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી સંસ્થામાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન તો ન જ કરતા હોવા જોઈએ. તેને બદલે છાત્રાલયની દિવાલો પર તમાકુની થૂંકની પિચકારીઓ અને લાલ થઈ ગયેલી ફર્શ જોઈને આચાર્ય દેવવ્રતજી ખૂબ દુઃખી થયા હતા. શુક્રવારે સવારે તેઓ એકાએક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 થી 30 જેટલા સફાઈ કામદારોને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને રજીસ્ટ્રાર નિખિલ ભટ્ટને પણ તેમણે સમગ્ર વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો. આ વેળાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર
એમ. થેન્નાર્સન, નાયબ મ્યુનિસિપલ કમિશનર આઈ. કે. પટેલ, સી. આર. ખારસાણ, મદદનીશ કમિશનર રાહુલ શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુસ્નાતક છાત્રાલય સંકુલ, યોગ વિદ્યા વિભાગ અને પ્રાર્થનાસભા સંકુલની મુલાકાત લીધી હતી. આ સ્થળોની પરિસ્થિતિ નિહાળીને તેઓ દુઃખી થયા હતા. ‘ગાંધીયન’ વિચારસરણી સાથે કામ કરતી સંસ્થામાં વાસ્તવિક સ્થિતિ કેટલી વિપરીત છે ! ‘ગાંધીયન’ ગંદકીમાં નિવાસ કરી રહ્યા છે.
ગાંધીવિચાર સાથે કામ કરતી સંસ્થાની સ્થિતિથી દુઃખી થઈને તેમણે સ્વયં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત વેળાએ કહ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓ ભારે ઉર્જાવાન હોય છે. એમની ઊર્જાને સર્જનાત્મક અને હકારાત્મક બાબતો તરફ વાળવી પડે. દરેક યુવાનોએ દિવસમાં બે વખત પરસેવો પાડવો જ પડે, અન્યથા એ નુકસાનકર્તા સાબિત થાય. ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદાનો સૂના પડ્યા છે. રમતગમતના એક પણ સાધનો નથી. રમતના મેદાનો પર ઘાસ ઉગી નીકળ્યું હોય એ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. પૂજ્ય ગાંધીજીના વિચારો જ્યાં જીવંત છે એ સંસ્થાને આપણે પૂજ્ય ગાંધીજીના વિચારોને અનુરૂપ બનાવવાની છે એમ તેમણે કહ્યું હતું.