દિલ્હી પોલીસે નકલી IPS ઓફિસરની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી વિકાસ ગૌતમ માત્ર 8મું ધોરણ પાસ છે. પરંતુ તે પોતાને IIT કાનપુરમાંથી પાસઆઉટ કહેતો હતો. આટલું જ નહીં તે પોતાને યુપી કેડરનો આઈપીએસ ઓફિસર ગણાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે સોશિયલ મીડિયા દ્વારા ખાસ કરીને કોલેજની છોકરીઓ અને મહિલાઓને ફસાવતો હતો. અને છેતરપિંડી કરતો. ડીસીપી આઉટર ડિસ્ટ્રિક્ટ હરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આરોપી ગૌતમ વિરુદ્ધ યુપી અને ગ્વાલિયરમાં આ પ્રકારની છેતરપિંડીની કેટલીક ફરિયાદ નોંધાઈ ચુકી છે.
કેવી રીતે પકડાયો આરોપી ?
ભેજાબાજ આરોપીએ દિલ્હીની સંજય ગાંધી હોસ્પિટલના ડોક્ટર પાસેથી 25 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે મહિલા તબીબે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસની તપાસ કરતાં વિકાસ ગૌતમની ધરપકડ કરી. વિકાસ ગૌતમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વિકાસ યાદવ આઈપીએસના નામે ફેક પ્રોફાઈલ બનાવી હતી. ડીસીપી હરેન્દ્ર સિંહેએ જણાવ્યું કે આરોપી વિકાસ ગૌતમ 8મું ધોરણ પૂરું કર્યા પછી દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો હતો, જ્યાં તેણે એક રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
સિવિલ સર્વિસની તૈયારી કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. જેઓ મુખર્જી નગર વિસ્તારમાં રહે છે અને જાણીતા કોચિંગ ક્લાસમાં સિવિલ સર્વિસની તૈયારી કરે છે. વિકાસ ગૌતમને અહીંથી વિચાર આવ્યો અને તેણે પોતાને IIT કાનપુરમાંથી પાસઆઉટ કહેવાનું શરૂ કર્યું. વિકાસે પોતાને 2021ની બેચનો IPS કહી સોશિયલ મીડિયા પર એક પ્રોફાઇલ બનાવી અને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. હાલ તો રાજધાની દિલ્હી પોલીસે ભેજાબાજની ધરપકડ કરી કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે.