લિયોનેલ મેસીની સાથે જ દુનિયાભરમાં રહેલા તેના ચાહકોની આખરે ઈચ્છા ફળી હતી. ફૂટબોલ વર્લ્ડકપમાં 36 વર્ષની લાંબી રાહ બાદ આર્જેન્ટીના ફરી એક વખત વર્લ્ડકપ જીતી ચૂકયું છે. મેચ જીત્યા બાદ મેસીને બે વખત સ્ટેજ પર એવોર્ડ લેવા માટે મંચ પર બોલાવવામાં આવ્યો હતો, જેમાંથી એક વખત તેને જે કારણથી સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. તેની ચર્ચા સોશિયલ મિડિયા પર ખૂબ થઈ રહી છે.
પહેલી વખત મેસીને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે ટુર્નામેન્ટમાં સર્વવશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીને આપવામાં આવે છે. ત્યારબાદ આર્જેન્ટીના ટીમના ખેલાડીઓ એક પછી એક વર્લ્ડકપની ટ્રોફી લેવા સ્ટેજ પર ગયા હતા, જેમાં છેલ્લે મેસી ગયો હતો. ત્યારે મંચ પર તેને મેડેલ પહેરાવ્યા બાદ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ ધાનીએ તેને કાળા અને સોનેરી રંગનો જાળીદાર પોશાક પહેરાવ્યો હતો.
કતાર ટુર્નામેન્ટના આયોજન સમિતિના જનરલ સેક્રેટરી હસન અલ થવાડીના કહેવા મુજબ આ એક સત્તાવાર પ્રસંગ માટેનો ડ્રેસ છે અને તેને સમારોહ માટે પહેરાવવામાં આવે છે. મેસીની જીતના સન્માનમાં તેને આ ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ વર્લ્ડકપ કતાર માટે અરબ અને મુસ્લિમ સંસ્કૃતિ દુનિયાને દેખાડવાનો અસર હતો. તે કતાર માટે નહીં પણ એક ક્ષેત્રના ઉત્સવનો આનંદ દેખાડવા માટેનો હતો. મેસીને પહેરાવવામાં આવેલા ડ્રેસને બિષ્ટ કહેવાય છે. અરબ દેશોમાં એક રીતે તે સાંસ્કૃતિક પોશાક કહેવાય છે. જે ખાસ અવસરે પહેરાવવામાં આવે છે. આ ડ્રેસ જોકે મેસીને જયારે પહેરાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેને તે કેવી રીતે પહેરવો તે ખબર પડી નહોતી ત્યારે શેખ તમીમ બિન હમદે તેને મદદ કરી હતી.