બસ કંડક્ટર પત્નીની પતિએ બસમાં જ હત્યા કરી નાખી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની આ ઘટના સામે આવી છે. પોલીસકર્મીએ જ પત્નીને મારી નાખતા સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે. હત્યા કર્યા બાદ પતિ ત્યાંજ બેસી રહ્યો હતો.
આ ચોંકાવનારી ઘટના એ સૌ કોઈને વિચારતા કરી દીધા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાવી જેતપુરના ભીખાપુરા ગામે બનેલી આ ઘટનામાં પતિએ બસમાં કંડક્ટર પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપી પતિ અમૃત રાઠવાની ધરપકડ કરી હતી. આ સાથે 108 દ્વારા મહિલા કંડક્ટરના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મંગુબેન રાઠવા નામની મહિલા બસ કંડક્ટર તરીકે નોકરી કરતી હતી જ્યારે મંગુબેનના પતિ અમૃત રાઠવા પોલીસ વિભાગમાં નોકરી કરે છે. દરમિયાન ભીખાપુરા ગામમાં અમૃત રાઠવાએ અચાનક તેની કંડક્ટર પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિ અમૃત રાઠવાએ તેની પત્ની મંગુના ચારિત્ર્ય પર શંકાના કારણે તેની હત્યા કરી હશે. તેમ અત્યારથી આ શંકા વ્યક્ત કરાઈ રહી છે.
ખાસ વાત એ છે કે અમૃત રાઠવા પોતાની પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ બસમાં જ ચુપચાપ બેસી રહ્યો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર આવીને તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.