અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. માહિતી અનુસાર સૌથી પહેલા પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી અને ત્યાર બાદ બેડ નીચેથી તેમના માતાની લાશ મળી હતી. હોસ્પિટલમાં માતા અને દીકરી સારવાર માટે આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી. જેથી તપાસ કરતા કબાટમાંથી એક પરિણીતા અને બેડ નીચેથી એક મહિલાની લાશ મળી હતી. બનાવને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને લાશને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં એકની અટકાયત કર્યાનું પણ જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, બંને હોસ્પિટલમાં કયા કારણોસર આવી હતી અને બંનેનું મોત કેવી રીતે થયું અને કોની સંડોવણી છે તેને લઈને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. બીજી તરફ માતા અને દીકરી હોસ્પિટલમાં આવતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.