ચીનમાં કોરોનાની ભયાનક સ્થિતિને જોતાં ભારત પહેલાથી જ સતર્ક થઈ ગયું છે. PM મોદીએ કોરોનાની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે શુક્રવારે બપોરે રાજ્યો સાથે બેઠકનું આયોજન કર્યું છે. તેમજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ કોરોના પર ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. પરંતુ કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં ઓક્સિજન, બેડ, દવાઓની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. આપને જણાવી દઈએ કે, ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગઈકાલે પણ કોવિડની સ્થિતિને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.