સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં ગળા પર કટર ફેરવી દેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપી રામસિંગ ગુલાબસિંગ પાડવીને ઝડપી લીધો. છેલ્લા કેટલાક સમથી ઉમરપાડાની યુવતી સચિન વિસ્તારમાં આવેલા કારખાનામાં સિલાઇ મશીનનું કામ કરતી હતી.
પ્રેમિકા અને પ્રેમી વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવક નાની-નાની બાબતો પર ઝઘડો કરતા યુવતીએ પ્રેમ સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યો હતો, જે બાદ રામસિંગ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો. જેથી યુવતીએ પ્રેમ સંબંધનો ઇન્કાર કરતા રામસિંગ પાડવીએ જાહેરમાં યુવતીના ગળા પર કટર ફેરવી દીધું હતું. હાલ તો પોલીસે માથાભારે શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે સમગ્ર બનાવ મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.