કોરોનાનો સબવેરિયન્ટ બીએફ સેવન, જે ચીનમાં કોરોનાના વધી રહેલા કેસ માટે જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં એક રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં ગુજરાતમાં બે અને ઓડિશામાં એક કેસ બીએફ.7ના નોંધાયા હતા. આ દર્દીઓ જોકે સાજા થઈ ગયા છે. ભારતના સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં આવા કોઈ કેસ વધ્યા નથી, પરંતુ તકેદારી રાખવાની આવશ્યકતા હોવાનું કહી રહી છે. જ્યારે કોઈ વાયરસ મ્યૂટેટ કરે છે તો એક નવી કેટેગરી અથવા સબ કેટેગરી શરૂ કરી નાખે છે. બીએફ.7 એ કોઈ નવો નહીં પણ પહેલા આવી ચૂકેલા બીએ.5.2.1.7 જ છે. તે ઓમાઈક્રોનના સબવેરિયન્ટ બીએ.5થી મ્યૂટેટ થઈને બન્યો છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ પોતાના મૂળ વેરિયન્ટથી ચાર ગણો વધુ પ્રતિકારક શક્તિવાળો આ વાયરસ છે. એટલે કે વેક્સિનેટેડ મનુષ્યની બીએફ.7ને તબાહ કરવાની ક્ષમતા બહુ ઓછી છે.
માનવામાં આવે છે કે આ સબવેરિયન્ટને કારણે ચીનમાં સંકટ ગંભીર બન્યું છે. આ વેરિયન્ટની સંક્રમણની ક્ષમતા બહુ મજબૂત છે. આ સબવેરિયન્ટ પહેલાથી જ કોરોનાનો ચેપનો ભોગ બની ગયેલા તથા વેક્સિનેટેડ લોકોને પણ સંક્રમિત કરી શકે છે. આ સબવેરિયન્ટના અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્કમાં કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓક્ટોબરમાં અમેરિકામાં નોંધાયેલા કુલ કેસના પાંચ ટકા કેસ બીએફ.7ના હતા.
જ્યારે બ્રિટનમાં 7.26 હતા.જાન્યુઆરી 2022માં સબવેરિયન્ટ બીએ.1 અને બીએફ.2ના કેસ વધુ હતા. ત્યારબાદ બીએ.4 અને બીએ.5 જેવા સબવેરિયન્ટ પણ આવ્યા. પરંતુ યુરોપમાં જેટલો કહેર મચાવ્યો , તે પ્રમાણે ભારતમાં તેની અસર જોવા મળી નહોતી. જોકે નવા વેરિયન્ટને હળવાશથી નહીં લેતા ભારત સરકારે તકેદારીના પગલા લેવાનું ચાલુ કરી દીધું છે અને તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ માટે સેંપલ લેબમાં મોકલવાનું કહી દેવામાં આવ્યું છે. પણ અત્યાર સુધી તેના ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે.