શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોલિવુડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ છે. જે 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. હાલ ભારે વિવાદનો સામનો કરી રહેલી આ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. ‘પઠાણ’ આઈસીઈ થિએટર ફોર્મેટમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ બનવાની છે.
યશરાજ ફિલ્મ્સે ‘પઠાણ’ માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આઈસીઈ થિએટરમાં સાઈડ પેનલ હોય છે જે મુખ્ય સ્ક્રીન સાથે એક પેરીફેરલ વિઝન બનાવે છે. જેનાથી સ્ક્રીન પર કલર અને સ્પીડને વધારી શકાય છે. ઈન્ટરનેશનલ સ્તરે વાત કરીએ તો ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવરસ ઓફ મેડનેસ, ધ બેટમેન, ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ, ટોપ ગન મેવરિક વગેરે જેવી ફિલ્મો આ હાઈ-એન્ડ ફોર્મેટમાં આઈસીઈ થિએટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. યશરાજ ફિલ્મ્સના નિવેદન મુજબ, ‘દિલ્હી એનસીઆરમાં બે PVR સિનેમા સાઇટ્સ સાથે અવતાર ધ વે ઓફ વોટરની સ્ક્રીનીંગ સાથે ભારતમાં આ ફોર્મેટની શરૂઆત થઈ ચૂકી છે.