નર્મદા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલમાં જ ડેડીયાપાડા એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી. જેના પછી તેમણે ધ્યાને આવેલી કેટલીક બાબતો પર મક્કમતાથી અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુસાફરો માટે બસ ફાળવવામાં નહીં આવે તો તેઓ ડેપો બંધ કરાવશે તેમણે આદિવાસી વિસ્તારોમાં લોકોને બસમાં સફર કરતા પડતી મુશ્કેલીઓને ધ્યાને લીધી હતી અને કહ્યું હતું કે કાર્યક્રમોમાં ફાળવાયેલી બધી બસ ક્યાં ગઈ. આદિવાસી વિસ્તારમાં બસ નહીં ફાળવાય અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરાય તો અંક્લેશ્વર ડેપોએ જઈને ડેપો બંધ કરાવશે.
તેમની આ મહેનત ફળી છે અને હવે રાતોરાત તંત્ર દ્વારા 5 બસ ડેડીયાપાડાના વિસ્તારમાં ચાલુ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના અવાજ ઉઠાવ્યા પછી માત્ર બે જ દિવસમાં એસટી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હતું અને ત્વરિત નિર્ણય કર્યો હતો.મુસાફરોને પડતી હતી ઘણી તકલીફ ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી દરમિયાન લગાવેલો અંદાજ તો સાચો ન પડ્યો પરંતુ હવે તેમના ચૂંટાયેલા 5 ધારાસભ્યો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી છે. તેમણે મુલાકાત દરમિયાન સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, જરૂરી સંખ્યામાં બસ નહીં મળે તો ડેપો બંધ કરી દેવાશે. ધારાસભ્ય વસાવાની મુલાકાત દરમિયાન 30 જેટલી બસીસના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓએ અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીઓની રજૂઆત ધારાસભ્યને કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના 20 હજાર કરોડના બજેટમાંથી હજારો બસીસ ફાળવેલી છે. તે બસીસ ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ ?