રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ બધાં વચ્ચે યુરોપમાં વધુ એક યુદ્ધના ભણકારા સંભળાય રહ્યા છે. દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ સર્બિયા અને કોસોવો સામ સામે ટ્ક્કર વધી ગઇ છે. સર્બિયાએ કોસોવો સરહદે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે. તે દરમિયાન ઉત્તરીય કોસોવોમાં સર્બિયન સમુદાયના સભ્યોએ મિત્રોવિકા શહેરની શેરીઓમાં બેરિકેડ લગાવી દીધા છે. સર્બિયન સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સર્બિયન રાષ્ટ્રપતિ એલેક્જેન્ડર વુસિકે સર્બિયન સેનાને લડાઇ માટે ઉચ્ચ સ્તરે ભરપૂર તૈયારી એટલે કે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરીને સરહદ પર તૈનાત રહેવાનો આદેશ આપ્યો છે.” તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ કોસોવો સરહદ પર સૈનિકોની સંખ્યા 1,500 થી વધારીને 5,000 કરવાનો આદેશ આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે 2008માં કોસોવો સર્બિયાથી સ્વતંત્ર થયું છે. ત્યારથી બંને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. કોસોવોનો આરોપ છે કે સર્બિયા રશિયાના ઈશારે કામ કરી રહ્યું છે અને તેના પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આઝાદી પછી કોસોવો સર્બિયા પર રશિયાના ઈશારે કામ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. 25 ડિસેમ્બરે બંને દેશોએ એકબીજા પર ફાયરિંગનો પણ આરોપ લગાવ્યો હતો. કોસોવોનો આરોપ છે કે ગોળીબાર સર્બિયા તરફથી આવ્યો હતો, જ્યારે સર્બિયાનો આરોપ છે કે ગોળીબાર કોસોવોમાં તૈનાત નાટોની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સેના તરફથી હતો.