તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી હદયને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોરદેવી ગામે રહેતા ધીરુભાઈ ચૌધરી, પત્ની ક્રિષ્નાબેન, તેમજ પુત્ર દેવરામ શૈલેષ ચૌધરી પરિવાર સાથે રહેતા હતા. ધીરુભાઈના ખેતરમાં છેલ્લાં કેટલાક સમયથી જંગલી ભૂંડોનો સતત ત્રાસ હોવાને કારણે તેમણે પોતાના ખેતરમાં વાવેલા પાકને બચાવવા માટે ખેતરની ફરતે વીજ કરંટના તાર લગાવ્યા હતા. જેનું કનેક્શન ધીરુભાઈ ચૌધરીના ઘરમાંથી આપવામાં આવ્યું હતું. જે તારની સ્વિચ બંદ કરીને તેઓ પાણી વાળવા જતા હતા. પરંતુ મંગળવારે તેઓ તારની સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયા હતા.
જે બાદ તેઓ વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. એ સમયે વીજ લાઈન ચાલુ હોવાથી ભેજને કારણે તેમને વીજ કરંટ લાગ્યો હતો. ધીરુભાઈને વીજ કરંટ લાગતો જોઈ તેમને બચાવવા માટે તેમના પત્ની ક્રિષ્નાબેન દોડી ગયા હતા. જ્યાં તેમને પણ કરંટ લાગ્યો હતો. જે બાદ તેમને બચાવવા માટે દેવરામ દોડી ગયો હતો. તેમને પણ કરંટ લાગ્યો હતો. જે ઘટનામાં ત્રણેયને કરંટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા. એકજ પરિવારના ત્રણ લોકોના મોત થતાં સમગ્ર મોરદેવી ગામમાં શોકનો માહોલ છે.