આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં જાન્યુઆરીમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાની સંભાવના છે. આની પહેલા પણ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોનાની નવી લહેર પૂર્વ એશિયામાં આવ્યાના લગભગ 30-35 દિવસ બાદ તે ભારતમાં પોતાની અસર દેખાડે છે. જો કે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોનું માનવું છે કે ઓમિક્રોન બી એફ-7 વેરિઅન્ટની સંભવિત રૂપે ભારતમાં તેની અસર ઓછી રહેશે.
ચીનમાં કોરોનાએ ગંભીર રૂપ ધારણ કરવા છતાં ત્યાં બેદરકારી જોવા મળી રહી છે. એટલે ભારત, અમેરિકા, બ્રિટન સહિતના દેશો સતર્ક થઈ ગયા છે. ભારતીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, બેન્ગકોક અને સિંગાપોરથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આવતા અઠવાડિયાથી એર સુવિધા ફોર્મ ભરવાનું અને 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. નવી કોવિડ લહેરનો સામનો કરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે આખા દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલ પણ કરવામાં આવી છે. જેના કારણે કોરોનાની ગમે તેવી પરિસ્થિતિમાં ભારતીય આરોગ્ય તંત્ર પહોંચી વળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે.