મોદી સરકાર વિશ્વમાં ઝડપથી મોટી આર્થિક મહાસત્તા બની રહી હોવાના દાવા વચ્ચે દેશ પર દેવું પણ વધી રહ્યું છે. સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષના સમયગાળામાં દેશ પરનું દેવું 40.15 લાખ કરોડ રૂપિયા વધ્યું છે.
નાણા મંત્રાલયના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશનું દેવું વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જૂનના અંત સુધીમાં દેવું રૂપિયા 145.72 કરોડ રૂપિયા હતું એ જોતાં છેલ્લા ત્રણ મહિનામાં જ દેવામાં એક ટકાનો વધારો થયો છે. આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં સરકારની કુલ જવાબદારીઓમાંથી 89.1 ટકા હિસ્સો દેવાનો જ છે. ત્રણ મહિના પહેલાં આ પ્રમાણ 88.3 ટકા હતું એ જોતા તેમાં પણ દોઢ ટકાનો વધારો થયો છે.
આર્થિક નિષ્ણાતો આ સ્થિતીને ગંભીર માને છે. તેમના મતે, મોદી સરકારના શાસનમાં સતત વધતું જતું દેવું ચિંતાનો વિષય છે. રૂપિયો સતત ઘસાતો જાય છે તેની ગંભીર અસર દેવાં પર પડી છે એવું તેમનું માનવું છે.