ડેડીયાપાડાના બલ ગામે કાચા ઘરોમાં અચાનક આકસ્મિક આગ લાગતા ત્રણ જેટલા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. શનિવારના રોજ ઉબડીયાભાઈ ટીડીયાભાઈ, વસાવા રીતેશ ઉબડીયા, વસાવા દિનેશ રૂપસિંગ તમામ રહે મુ.બલ.તા.ડેડીયાપાડાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખા ઘર સહિત બાજુના ઘરને ચપેટમાં લઈ લીધું હતું. વિકરાળ આગને પગલે ઘરોમાં મુકેલી ઘરવખરી નો સામાન તેમજ સાગી લાકડા, અને કપાસ પણ બળીને ખાખ થઈ ગયો હતો. મહા મહેનતથી બનાવેલા ઘરમાં આગ લાગવાથી પરીવાર આક્રંદ કરવા લાગ્યું હતું. ચાર કલાક બાદ ફાયર ફાઈટર ની ગાડી રાજપીપળા થી ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યાં સુધી તમામ ઘર તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું. ત્યારે 305 જેટલા ગામડાંઓ ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં છાસવારે બનતી આગ લાગવાની ઘટનાઓમાં ફાયર ફાઈટરની સુવિધા ડેડીયાપાડા સાગબારા ખાતે ન હોવાને કારણે મોટું નુકશાન ગરીબ પરિવારોને વેઠવાનો વારો આવ્યો છે.
ડેડીયાપાડા સાગબારા તાલુકાના ગામોમાં આવી આગ લાગવાની ઘટનાઓ પ્રતિવર્ષ બનતી હોવા છતા તંત્ર દ્વારા અહીં ફાયર સ્ટેશન ઉભું કરવા માટે કોઈજ પ્રયાસો હાથ ધરવામાં આવતા નથી.પ્રતિવર્ષ આગ ફાટી નીકળવા ના કારણે કઈ કેટલાય ગરીબોના મહેનતથી ઉભા કરેલા મકાનો ની સાથે જીવનની પુરી કમાણી પણ આગમાં બળીને સ્વાહા થઈ જાય છે ત્યારે તેને બચાવવા પોતે નિસહાય બની જતા હોય છે.સરકાર દ્વારા તાલુકા મથક દેડીયાપાડા સાગબારા જો ફાયર સ્ટેશન ઉભું કરે તો ડેડીયાપાડા તાલુકા સહિત તેનો લાભ નજીકના નિજર ,કુકરમુંડા સહિત સોનગઢ ,ઉમરપાડા મળે તેમ છે માટે ડેડીયાપાડા, સાગબારા તાલુકાના નવા ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આશા ઊભી થઈ છે કે હવે તેવો જ ફાયર સ્ટેશન ઉભું થાય તેવા પ્રયાસો કરે તેવી હાલ માંગ ઉઠી છે.