સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર મહિનામાં શહેરી બેરોજગારીનો દર 10.09 ટકા અને ગ્રામીણ બેરોજગારીનો દર 7.44 ટકા હતો. જેમાં શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો. જ્યારે નવેમ્બરમાં તે 8.96 ટકા હતો. ઉપરાંત ગ્રામીણ બેરોજગારીના દરમાં ઘટાડો જોવા મળ્યો. તે 7.44 ટકા નોંધાયો છે. જ્યારે નવેમ્બરમાં તે 7.55 ટકા હતો
રાજ્યોની વાત કરીએ તો ડિસેમ્બરમાં હરિયાણામાં સૌથી વધુ 37.4 ટકાનો બેરોજગારી દર હતો. રાજસ્થાન (28.5 ટકા), દિલ્હી (20.8 ટકા), બિહાર (19.1 ટકા) અને ઝારખંડ (18 ટકા)નો નંબર આવે છે. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે બેરોજગારી દરમાં વધારો ‘દેખાય છે તેટલો ખરાબ નથી’ કારણ કે તે એવા સમયે આવે છે જ્યારે શ્રમ ભાગીદારી દર નોંધપાત્ર રીતે વધીને ડિસેમ્બરમાં 40.48ના 12 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
કેટલાક ડેટાનું વિશ્લેષણ કરતાં, ટીમલીઝ સર્વિસિસના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રિતુપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે CMIE બેરોજગારી રિપોર્ટ ખરાબ અને સારા સમાચારનો ‘રસપ્રદ કલગી’ છે. તેમણે કહ્યું કે જન્મ અને મૃત્યુ દર અને આર્થિક સમૃદ્ધિના મુખ્ય સૂચકાંકોને જોતા ભારત માટે ચિંતાજનક સંભાવનાઓમાંની એક એ હકીકત છે કે શ્રમબળમાં આપણો વિકાસ ધીમો પડી શકે છે. આવું જ કંઈક ચીન કે યુરોપ અને અન્ય વિકસિત અર્થતંત્રોમાં થયું છે.
ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ નજીકના ભવિષ્યમાં તેના અંત સુધી પહોંચી શકે છે. આ આંકડાઓ એ પણ દર્શાવે છે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારનું સર્જન કરવું કેટલું મહત્વનું છે, તો જ આપણે જોબ માર્કેટમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકીશું. રિપોર્ટના સંદર્ભમાં, CIEL HR સર્વિસિસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આદિત્ય નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં રોજગારની કોઈ નોંધપાત્ર તકો ઊભી થઈ નથી. “સપ્ટેમ્બર-ડિસેમ્બર દરમિયાન તહેવારોની મોસમને કારણે કન્ઝ્યુમર ગૂડ્ઝ, વાહનો અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ઘણી રોજગારીની તકો ઊભી થઈ હતી. આ માટેની નિમણૂંક ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ફુગાવાના દબાણને કારણે બાંધકામ, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગારીની તકો વધી નથી.