નસવાડીની લિંડા મોડલ સ્કૂલ છેલ્લાં કેટલાક સમયથી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. ત્યારે આ વખતે ફરી એક વખત લિંડા મોડલ સ્કૂલનો ગંભીર મામલો સામે આવ્યો છે. જો સમગ્ર બનાવની વાત કરીએ તો લિંડા મોડલ સ્કૂલના બાળકોને ગુણવત્તા વાળું ભોજન ન મળતા બાળકોએ હોબાળો મચાવ્યો હતો.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચાલતી મોડલ સ્કૂલમાં 5 શાળાઓ આવેલી છે જેમા 2,980 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમને આપવામાં આવતું ભોજન ચોખા અને રોટલી કાચી હોવાનું સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારના બાળકોને સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પણ બાળકોને ગુણવત્તા વાળું ભોજન કેમ નથી આપવામાં આવતું ? એ એક મોટો સવાલ છે.
કાચા ભોજન મામલે છાત્રોએ વારંવાર આચાર્યને ફરિયાદ કરી હતી પણ આચાર્ય દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ છાત્રોની ફરિયાદ કાને લેવામાં આવી નથી. અગાઉ પણ આદિવાસી બાળકોને યોગ્ય ભોજન ન મળતા હોબાળો મચાવ્યો હતો. જેમાં એજન્સી બદલીને બીજી એજન્સીને કેન્ટિંગનું કામ આપવામાં આવ્યું છે. તે છતા પણ આદિવાસી બાળકોને જમવામાં કોઈ બદલાવ આવ્યો નથી.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર “સૌ ભણે સૌ આગળ વધે” તેવી મોટી મોટી વાતો કરે છે. પરંતુ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન નથી મળતું તો યોગ્ય શિક્ષણ કેવી રીતે મળતું હશે તે એક મોટો સવાલ છે.