સંખેડા તાલુકામાં ઉત્તરાયણ આવતા જ અંદરો અંદર ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થવા લાગ્યું છે. સંખેડા જ નહિ પરંતુ ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરીનું મોટા પાયે વેચાણ ચાલુ થઈ રહ્યું છે.ચાઇનીઝ દોરી પ્લાસ્ટિકથી બનેલી હોવાથી ધારદાર અને જલ્દીથી તૂટતી ન હોવાથી રસ્તે ચાલતા વટેમાર્ગુ અને ખાસ કરીને બાઈક પર જતા-આવતા વ્યક્તિઓને ગળા કપાઈ જવાની બીક રહેતી હોય છે. આકાશમાં ઉડતા માસૂમ પક્ષીઓ ચાઇનીઝ દોરીથી કપાઈ ને મૃત્યુ પામે છે. પોતાની પતંગ ન કપાય અને બીજાની પતંગ કાપવાના શોખમાં નિર્દોષ પક્ષીઓને આપણે મોતને ઘાટ ઉતારી દઈએ છીએ.
દર વર્ષે ક્યાંકને ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય છે. ચાઇનીઝ દોરીથી નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ મોતનો શિકાર બનતા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે, ક્યાં સુધી આવી ઘાતક દોરીઓ બજારમાં વેચાશે ?. સરકાર દ્વારા ચાઇનીઝ દોરી ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંખેડા તાલુકા તથા આજુબાજુના વિસ્તારમાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ દેખાય તો બહાદરપુરની એનિમલ રેસક્યું ટીમનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.