છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખેડૂતો તારીખ 01/01/2023 ના રોજ હાંડોદ APMCમા ભેગા મળી વટાવ પ્રથા નાબૂદ કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં APMC પ્રમુખ શિવુ મહારાઉલે પણ જોડાયા હતા. ખેડૂતોની માંગણીને લઈને APMC પ્રમુખ શિવુ મહારાઉલ અને ખેડૂતો દ્વારા જીનીંગના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. જેમાં વેપારીઓ દ્વારા 12 દિવસમાં નાણાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખેડૂતોની માંગ હતી કે 8 દિવસમાં નાણા ચૂકવવામાં આવે, પરંતુ વેપારીઓએ ખેડૂતોની માંગણી ન સ્વીકારતા ખેડૂતો આમરણ ઉપવાસ બેઠા હતા.
જે મામલે સમાધાન થતાં વેપારીઓએ બીજા દિવસે વટાવ કાપવાનું ચાલુ કર્યું હતું. જેને લઇને ખેડૂતો ફરી એકવાર ઉપવાસ પર બેઠા હતા. અને સંખેડા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વટાવ પ્રથા બંધ કરવામાં આવે તેવી ખેડૂતોએ રજુઆત કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે, જો ચાર દિવસમાં વટાવ પ્રથા બંધ નહિ કરવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા મળીને આંદોલન કરશે તેમજ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.