100થી વધુ છોકરીઓને ચા અને પ્રસાદમાં નશાની ગોળીઓ આપીને બળાત્કાર કરનાર ઢોંગી જલેબી બાબાને કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી છે. જો સમગ્ર મામલાની વાત કરીએ તો, હરિયાણાના ટોહાનાના બહુચર્ચિત જલેબી બાબાને મહિલાઓનું યૌન શોષણ કરવાના કેસમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જલેબી બાબા ઉર્ફ અમરપુરી ઉર્ફ બિલ્લુ પર આરોપ છે કે તે મહિલાઓના આપત્તિજનક વિડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો હતો અને તેમનું વારંવાર યૌન શોષણ કરતો હતો. પાંચ વર્ષ પહેલા પોલીસે જલેબી બાબ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કર્યો હતો.
પંજાબના મનસા જિલ્લામાં જન્મેલા બિલ્લુ રામે આઠ વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. ઠેર-ઠેર ભટકતા સમયે તેની દિલ્હીમાં દિગંબર રામેશ્ર્વર નામના બાબા સાથે મુલાકાત થઈ હતી. તેની સાથે બિલ્લુ ઉજ્જૈન જતો રહ્યો હતો. 18માં વર્ષે ઘરે પાછો ફરતા પરિવારે તેના લગ્ન કરાવી નાંખ્યા હતા. લગ્ન બાદ તે રોજી-રોટી માટે હરિયાણાના ટોહાના શહેરમાં આવ્યો હતો. અહીં તેણે જલેબીની દુકાન ખોલી હતી અને ધીમે ધીમે તો લોકોમાં જલેબીને લઈને જાણીતો થઈ ગયો હતો.
લગભગ 20 વર્ષ પહેલા બિલ્લુએ પોતાના ઘરે મંદિર બનાવ્યું હતું. મંદિરમાં કથિત રીતે મહિલાઓને તેમની મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનો દાવો કરીને ફસાવતો હતો. એમ કરતા તે જલેબીબાબા તરીકે પ્રખ્યાત થઈ ગયો હતો. તેની પાસે શારીરિક અને માનસિક રોગથી પીડિત મહિલાઓ આવતી હતી. મંત્રથી ઠીક કરવાનો દાવો કરી બાબા બનીને તે મહિલાઓને ચા અને અન્ય વસ્તુઓમાં નશીલી વસ્તુઓ મિલાવીને આપતો અને બાદમાં મહિલા બેશુદ્ધ બનતા જ તેમનું શોષણ કરતો હતો. તેના મંદિરમાં લાગેલા કેમેરામાં તે રેકોર્ડિંગ પણ કરતો હતો અને બાદમાં તે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો. અનેક મહિલાઓને જ નહીં પણ સગીરાનું પણ તેણે શોષણ કરીને તેમને બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા હતા. બદનામીના ડરે મહિલાઓ ચૂપ રહેતી હતી. છેવટે ઓક્ટોબર 2017માં એક મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી અને પૂરો મામલો તપાસ દરમિયાન બહાર આવ્યો.