વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સુધી ભાજપનું નેતૃત્વ કોણ કરશે? આ અંગે રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. વર્તમાન પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. નવા પ્રમુખની પસંદગી કરવા અને અન્ય નીતિ વિષયક નિર્ણયો લેવા માટે પાર્ટીએ 16 અને 17 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. અહેવાલ મુજબ નવા પ્રમુખના નામ પર 17 જાન્યુઆરીએ મહોર લાગી શકે છે. જેપી નડ્ડાને ફરીથી અધ્યક્ષપદની જવાબદારી આપવામાં આવે તેવી પણ ચર્ચા છે. જોકે, 2014 પછી જે રીતે ભાજપમાં નિમણૂકોને લઈને ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે તે જોતાં કદાચ પક્ષ કોઈ અન્યને પણ અધ્યક્ષ બનાવી શકે છે.
અમિત શાહ બાદ જેપી નડ્ડાને કમાન સોપાઈ:-
અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જેપી નડ્ડાને ભાજપની કમાન સોંપવામાં આવી હતી. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર હિમાચલ છોડીને નડ્ડાનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે. આવી સ્થિતિમાં તેમનું ફરીથી પ્રમુખ બનવું નિશ્ચિત માનવામાં આવે છે. જોકે, રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નડ્ડા ફરી મોદી કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
શું નડ્ડા ફરી બનશે રાષ્ટ્રીય અધ્યક્ષ ?
જો આમ થશે તો ભાજપને 2024 માટે નવા અધ્યક્ષ મળી શકે છે, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવનું નામ મોખરે છે. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. અગાઉ કોઈ અધ્યક્ષ સતત બે ટર્મ સુધી હોદ્દો સંભાળી શકતા નહોતા, પરંતુ 2012માં આ નિયમ બદલવામાં આવ્યો હતો. હવે કોઈપણ વ્યક્તિ સતત બે ટર્મ સુધી અધ્યક્ષ પદ પર રહી શકે છે.