ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ સરકારની આ મોટી વાતો ક્યાંકને ક્યાંક કાગળ પર જ રહેતી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કારણ કે, નસવાડી તાલુકાના પલાસણી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની સ્થાપના 1921મા થઈ હતી. શાળાને 100 વર્ષ જેટલો સમય થયા પછી પણ આજદિન સુધી નવી શાળા બનાવવામાં આવી નથી જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ જર્જરિત શાળામાં ભણવા મજબૂર બન્યા છે.
જાન લેવા જર્જરિત શાળાઃ-
પલાસણી પ્રાથમિક શાળામાં 140 જેટલાં બાળકો અભ્યાસ કરે છે જયારે 6 શિક્ષકો આ શાળામાં ફરજ બજાવે છે. શાળામા 1 થી 8 ધોરણ સુધીના વર્ગોની વચ્ચે 4 ઓરડાઓમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ચોમાસા દરમિયાન ઓરડાઓમાં પાણી પડે છે.
નવીન શાળા માટે મંજૂરી પણ કામગીરી બંધઃ-
પ્રાથમિક શાળાને નવીનીકરણ કરવા માટે વર્ષ 2015માં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી શાળામાં કોઈ કામગીરી કરાઈ નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
કામગીરી મામલે વારંવાર રજુઆતઃ-
શાળાની કામગીરી મામલે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી અત્યાર સુધીમાં કરાઈ નથી. શાળાની હાલત દિવસેને દિવસે એવી બની રહી છે કે, હવે વાલીઓ પણ જર્જરિત શાળામાં બાળકોને મોકલવામા ગભરાય છે. શાળાની દીવાલો જૂની છે તો છત પરના પતરા જર્જરિત છે. આવી પરિસ્થિતિમા બાળકો અને શિક્ષકો ભયના ઓથર નીચે શાળામાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું રાજ્યનું યુવાધન આ રિતે જર્જરિત શાળાઓમાં ભણવા ક્યાં સુધી મજબૂર બનશે ?
ભરત રાઠવાઃ-
આ મામલે ભરત રાઠવાએ જણાવ્યું કે, જિલ્લા કક્ષાઓથી ઓરડા તોડી પાડવા માટે ઓર્ડર મળી ગયો છે. પરંતુ ગાંધીનગરથી ટેન્ડર પાસ થાય એટલે આઠ ઓરડા બનાવવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ગાંધીનગરથી વર્ક ઓર્ડર મળી જાય એટલે કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું.