છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને સુવિધાઓ મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ડામર રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રોડ બનાવવાનું કામ પણ કેટલાક અધિકારીઓના મળતિયાઓને આપવામાં આવ્યું છે. એટલે કે આ રોડનું કામ ડી.બી.પટેલ એજન્સીને આપવામાં આવ્યું છે. રોડ બનાવવા માટે ડામરનું મટીરીયલ તૈયાર કરવા માટે નસવાડીના સીધિકુવામાં પ્લાન્ટ મુકવામાં આવ્યો છે.
ડામરનું મટીરીયલ તૈયાર કરવામાં વેઠઃ-
આ પ્લાન્ડમાં કોઈ પણ માપ તોલ વગર ડામરનું મટીરીયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડામર પ્લાન્ટ પર કોઈ પણ સરકારી અધિકારી હાજર રહેતા નથી. જેના કારણે એજન્સી હલકી ગુણવત્તાનું ડામર રોડ બનાવવામાં વાપરી રહી છે. અને આદિવાસી વિસ્તારના લોકોને છેતરી રહી છે. જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલ સુકલાને ફોન કરતા તેમણે માહિતી આપતા ગલ્લા તલ્લાં કર્યા હતા.
અધિકારીને જવાબ આપવામાં ફાફાંઃ-
એજન્સી અંગે પૂછપરછ કરતા અધિકારીને એજન્સીનું નામ અને કેટલાનું ટેન્ડર છે. તે પણ ખબર નથી. જે બાદ પોતે બચાવ કરતા હોય તેમ હું તમને પૂછીને કહું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ફરી સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતુ. જેના પરથી લાગે છે કે છોટાઉદેપુરથી સુરખેડામાં બની રહેલા ડામર રોડના કામ-કાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારઃ-
તેમજ અધિકારીઓ અને એજન્સી મળીને આદિવાસીના લોકોની આંખમાં ધૂળ નાખી રહ્યા હોય તેવું સાફ સાફ સાબિત થઈ રહ્યું છે. ડામરનું મટીરીયલ બનાવવા માટે કોઈ પણ જવાબદાર અધિકારી પ્લાન્ટ જતા નથી કે તપાસ કરતા જેના કારણે એન્જસીને છૂટો દર મળી જાય છે. અને એજન્સી ગુણવત્તા વગરનું મટીરીયલ બનાવી રોડના કામમાં વેઠ ઉતારતી હોય છે.