કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઇબી-પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા તાપી જિલ્લાના વ્યારામાં રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત તાપી જિલ્લાનાં કલેક્ટર ભાર્ગવી દવેએ કહ્યું હતું કે પત્રકારોએ જાણ્યે-અજાણ્યે આપણાં જેવાં ઘણાંનું ઘડતર કર્યું છે. પત્રકારો અને મીડિયાએ ફેક્ટ ફાઈન્ડિંગ માટે છે, ફોલ્ટ ફાઈન્ડિંગ માટે નહીં. તેઓ આંગળી ચીંધે છે એટલે તંત્રએ એમને રચનાત્મક અભિગમથી જોવા રહ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે આવી રહેલી વસંત ઋતુની જેમ આપણે સૌ જૂના વિચારો ત્યજીને વિકસિત જિલ્લો બનાવવાની યાત્રામાં સૌ સહભાગી થઈએ.
આ પ્રસંગે સંબોધન કરતા તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દિનેશ કાપડીયાએ કહ્યું કે ત્રીજી આંખ તરીકે મીડિયાની ભૂમિકા રહી છે અને તેની નજર વ્યવસ્થાતંત્ર પર રહેતી હોય છે. તે સમાજના સૌ હિતધારકોનું ધ્યાન રાખે છે. તેમણે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, સેવા સેતુ જેવી સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી અને કહ્યું કે આવી જ એક પહેલ પ્રશાસન ગાંવ કી ઓર દ્વારા વિકાસ યોજનાઓ અને એ સંબંધી જાગૃતિ લાવવામાં, આયોજન કરવાનું સરળ થયું છે. મિની વિધાનસભાની જેમા ગ્રામસભાઓનું આયોજન થાય છે. તેમણે જી20નાં ભારતનાં પ્રમુખપદનો પણ ગર્વભેર ઉલ્લેખ કરીને કાર્યક્રમોની માહિતી આપી હતી.
સુરતના વરિષ્ઠ પત્રકાર ફયસલ બકિલીએ સમાજમાં જાગૃતિ સર્જવામાં પત્રકારની ભૂમિકા પર બોલતા નારદથી લઈને કવિ નર્મદ સુધીના પત્રકારત્વના ભવ્ય વારસાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્વતંત્રતા ચળવળમાં પત્રકારત્વ મિશન હતું, પછી આપણે રાષ્ટ્ર-સમાજ ઘડતર તરફ વળ્યા. પત્રકારે સેતુનું કામ કરવાનું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે કોવિડ કટોકટી દરમ્યાન મીડિયા અને સરકારી તંત્રએ સામૂહિક જવાબદારી સુપેરે અદા કરીને સોશિયલ મીડિયા પરના અપ્રચાર-ભ્રામકતાને સમયસર ખાળ્યો હતો.
પીઆઇબી, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશભાઇ પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લા સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી યોજનાઓના લાભાર્થીઓએ સ્વાનુભવો વર્ણવ્યા પી.આઈ.બી. અમદાવાદના નાયબ નિયામક યોગેશ પંડ્યાએ કહ્યું કે આજના વાર્તાલાપ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પટેલ મોહિનીબેન, પ્રતીક્ષાબેન ચૌધરી, પ્રિયંકાબેન જાદવ જેવા લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓનો સમયસર લાભ મળવાથી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી હતી. મહિલા લાભાર્થીઓએ પીએમ માતૃ વંદના યોજનાથી પોષણ મળ્યું અને સ્વસ્થ પસૂતિ થઈ એની વાત કરી હતી.