આદિવાસી સમાજના કુળ દેવી તથા સૌની આસ્થાના કેન્દ્ર એવા ‘યાહા મોગી’ તીર્થ ક્ષેત્ર દેવમોગરા સુધીની સીધી બસ સેવા, રાજ્યનાં છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાથી શરૂ કરવામાં આવી છે. ડાંગના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે આહવા-દેવમોગરાની નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા તથા નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત ઉપસ્થિત રહ્યા હતા.
આહવાથી દરરોજ બપોરે ૧૨:૫૦ વાગ્યે ઉપડનારી આહવા-દેવમોગરા લોકલ બસ આહવાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સેલંબા, સાગબારા થઈ સાંજે ૭:૩૦ વાગ્યે દેવમોગરા પહોંચી રાત્રી રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે વહેલી સવારે ૫ વાગ્યે આજ રૂટ ઉપરથી રિટર્ન થઈ બપોરે ૧૨:૩૦ વાગ્યે આહવા આવી પહોંચશે.