૧૮ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસે પૂજ્ય મોરારીબાપુના ગામ તલગાજરડામાં યોજાયેલા 23 માં શ્રેષ્ઠ શિક્ષક અને ચિત્રકૂટ પારિતોષિક વિજેતાઓ માટે સન્માન સંમેલન યોજાયું હતું. નવસારી અને રાજકોટ જિલ્લા સિવાયના ૩૧ જિલ્લામાંથી ૩૩ શિક્ષકોને પ્રશસ્તિપત્ર, ટ્રોફી , કાળી કામળી અને ચેક પૂજ્ય બાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં. તથા સીતારામ બાપુ દ્વારા પ્રત્યેકને સુંદરકાંડ વિગેરે મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. જેમાં દક્ષિણ ગુજરાતના ચાર શિક્ષકો ભાગ્યશાળી બન્યા હતાં.
તાપી જિલ્લાની તાલુકા શાળા વ્યારાના ઇનોવેટિવ ઉપ શિક્ષિકા ચિત્રંગના ચૌધરી, વલસાડ જિલ્લામાંથી ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના ડૉ. વિરેન્દ્ર મણિલાલ ગરાસીયા ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામા તેમજ સુરત જિલ્લાના કામરેજ-ઉંભેળના મુખ્ય શિક્ષક મિલનકુમાર મોહનભાઈ પટેલ તથા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કેશબંધ પ્રા. અને ઉ.પ્રા.શાળા માં મુખ્ય શિક્ષક ઈલાબેન ગોવિંદભાઈ બીરારી આ તમામ ગૌરવશાળી પારિતોષિક મેળવવા આનંદની ક્ષણોના સદભાગી બન્યા હતા.
આ સંદર્ભે સત્ય કાર્યનિષ્ઠાથી હાલ કાર્યરત રાજ્ય સંઘ અને તાપી જિલ્લા સંઘ તથા વ્યારા તાલુકા સંઘનો હ્યદય પૂર્વક આભાર માનતા વસંત ઋતુ સાથે હ્યદયની વસંત મહેકી રહી અને લાગણીની સુરભી અવિરત પ્રસરી ગઈ હતી. તાપી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રે ચિત્રાંગનાબહેન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.