કવાટ તાલુકાના પાનવડ ગામમાં ભર બજારે આદિવાસી યુવકની હત્યા કરતા ચકચાર મચી ગયો છે. બનાવની જાણ પાનવડ પોલીસને થતાં પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
શુ હતી સમગ્ર ઘટનાઃ-
આજથી પાંચ છ વર્ષ પહેલા આરોપી જયેશ રાઠવા સાથે મરનાર ઇશ્વર રાઠવાનો બાઈક અકસ્માત સર્જાયો હતો. જેમાં જયેશ રાઠવાને ફ્રેક્ચર થતા સળીયો નાખવો પડ્યો હતો. સારવાર પાછળ બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય તે અંગેની પૈસાની માંગણી સાથે જયેશ અને તેના સાગરીતે ઈશ્વર પર હુમલો કર્યો હતો. જેમાં જયેશનું હાથનું કડુ ઈશ્વરના માથામાં વાગતા ઈશ્વર જમીન પર ઢળી પડ્યો હતો.
ઈશ્વર બેશુદ્ધ અવસ્થામાં પડેલા હોય તેમનું મર્ડર થઈ ગયું હોવાની વાત સમગ્ર પાનવડ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. કોઈકે ઈશ્વરને પંપિંગ કરતા તેઓ ફરી હલન ચલન કરવા લાગતા તરત જ છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયન મોત થતાં સમગ્ર ઘટના હત્યામાં પરિણીમી છે. ઘટનાની જાણ પાનવડ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.