બોડેલી તાલુકાના ધોળીવાવ ગામમાં સમી સાંજે દીપડાએ 5 વર્ષના બાળકને શિકાર કરવાની કોશિષ કરી હતી. આદમખોર દીપડો પાંચ વર્ષના બાળકને લઈ લીમડાના ઝાડ પર ચઢી જતા ચકચાર મચી જવા પામી છે. ધોળીવાવ ગામનો 5 વર્ષનો ક્રિશ બારિયા નામના બાળકને ગળાના ભાગે દબોચી દીપડો લીમડાના ઝાડ પર ચડી ગયો હતો.
છેલ્લા કેટલાક સમયથી બોડેલી તેમજ ધોળીવાવ વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. થોડા દિવસ પહેલા મુલધર ગામે દીપડાએ પશુનું મારણ કર્યાં બાદ હવે દીપડો માસૂમ બાળકનો શિકાર કરી રહ્યો છે.
આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં ગામ લોકોએ દીપડાને ભગાડીને બાળકને ઝાડ પરથી નીચે ઉતારી લઈ બાળકને બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકની તબિયત સારી ન હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
દીપડાને પાંજરે પૂરવા માગઃ-
બોડેલી તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડોનો આતંક સામે આવી રહ્યો છે. પરંતુ હદ ત્યાં થઈ ગઈ કે હવે આ આદમખોર દીપડો માસૂમ બાળકો પર હુમલો કરી રહ્યો છે. જેથી બોડેલી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોમાં દીપડોનો ભય છે. ત્યારે સ્થાનિક લોકોએ દીપડાને પાંજરે પૂરવા માગ કરી છે. પરંતુ વન વિભાગ ક્યારે જાગશે અને ક્યારે દીપડાને પાજરે પૂરશે તે જોવું રહ્યું.