સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. દક્ષિણ પૂર્વ તુર્કીમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. ભૂકંપના કારણે અહીં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોના મોતના સમાચાર પણ છે. બીજી તરફ સીરિયામાં પણ ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. એર્દુગને લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી હતી.
સીરિયાના લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.