એક મહિલા ન્યૂઝ એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઓન-એર તેના છૂટાછેડાની જાહેરાત કરતી જોવા મળી છે. લાઈવ ટીવી દરમિયાન તેની જાહેરાતથી દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે અગાઉ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં માહિતી આપી હતી કે તે શોના અંતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહી છે.
ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર મહિલાનું નામ જુલી બંદેરાસ છે. 49 વર્ષની જુલી ન્યુયોર્ક સ્થિત ફોક્સ ન્યૂઝ ચેનલની એન્કર છે. તેણે ગતરોજ એક પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યું-આજે રાત્રે 11 વાગ્યે શોના અંતમાં મારી પાસે એક નાનકડી જાહેરાત છે. આ પોસ્ટ પછી, જુલીએ શોના અંતે તેના છૂટાછેડાની જાહેરાત કરી.
જણાવી દઈએ કે જૂલીએ આ જાહેરાત ત્યારે કરી જ્યારે શોના હોસ્ટે તેને પૂછ્યું કે શું તે વેલેન્ટાઈન ડે પર તેના પતિ પાસેથી કંઈ મેળવી રહી છે. આના જવાબમાં જુલીએ લાઈવ ટીવી પર કહ્યું-ઠીક છે, હું છૂટાછેડા લઈ રહી છું. હવે હું આગળ વધવાની છું. આપ સૌનો આભાર. આ બ્રેકીંગ ન્યુઝ હતા. આટલું જ નહીં જુલીએ વેલેન્ટાઈન ડેને ‘સિલી’ અને ‘હાસ્યાસ્પદ’ પણ ગણાવ્યો હતો.
જુલીએ 2009માં નાણાકીય સલાહકાર એન્ડ્રુ સેન્સોન સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેમને પરિવારમાં ત્રણ બાળકો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેણે એન્ડ્રુથી અલગ થવાના સંકેત આપ્યા હતા. લાંબા સમયથી તે માત્ર તેના બાળકો સાથેના ફોટા પોસ્ટ કરતી હતી.