છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું ઘટામલી ગામના ગ્રામજનો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પણ અહીંના સ્થાનિક આદિવાસી લોકોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા હાલાકીનો સમાનો કરવો પડે છે. સ્થાનિક ગ્રામજનો એકથી દોઢ કી.મી.ના અંતરે આવેલા કુદરતી ઝરણામાંથી નિકળતું પાણી પીવા મજબૂર બન્યા છે.
સુકોભટ્ટ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના લોકો પીવાના પાણી માટે મહામોટી મુશ્કેલી વેઠી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એવું નથી કે સરકાર તેમની આ પરિસ્થિતીથી વાકેફ નથી પરંતુ આદિવાસીઓને પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ચોમાસા અને શિયાળામાં કોતરોમાંથી પીવાનું પાણી મેળવી જીવન ટકાવી રાખે છે. ઉનાળાની શરૂઆત થતાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે. અને શરું થઇ જાય છે. પાણી મેળવવા માટે સંઘર્ષની કહાની ગરીબ આદિવાસીઓની વ્યથાનો અવાજ તંત્રના બહેરા કાને ન પડતા આખરે ગામના લોકો દુર ખીણમાં પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.
ઘટામલી જેવા અંતરિયાળ ગામોમા પીવાના પાણી જેવા સળગતા પ્રશ્નોથી પીડાતી પ્રજાનો પ્રશ્નો ક્યારે ઉકેલાશે તે મોટો સવાલ છે. વિકાસની વાતો ખૂબ મોટા મોટેથી કરવામાં આવે છે પણ આ ઘટામલી ગામને જોતા લાગે છે કે ગામનો અને અહીંના આદિવાસીઓનો કોઈ વિકાસ થયો હશે ? પીવાના પાણી માટે આ લોકો કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.