ઝારખંડના ગ્રામીણ વિસ્તારોમાં આ દિવસોમાં જંગલી હાથીએ આતંક મચાવ્યો છે. છેલ્લા 12 દિવસમાં રાજ્યના પાંચ જિલ્લામાં હાથીઓના હુમલામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવાર-મંગળવારની રાત્રે રાંચી જિલ્લાના એક બ્લોકમાં હાથીઓના હુમલામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રાંચીના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર શ્રીકાંત વર્માએ જણાવ્યું કે ઘટના બાદથી ઈટકી બ્લોકમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ગ્રામજનોને ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તેમના ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વન સંરક્ષક શશિકર સામંતે જણાવ્યું કે, છેલ્લા 12 દિવસમાં હજારીબાગ, રામગઢ, ચતરા, લોહરદગા અને રાંચી જિલ્લામાં હાથીઓના હુમલામાં 16 લોકોના મોત થયા છે.
ફોરેસ્ટ ઓફિસરની કમિટી બનાવવામાં આવી
વન સંરક્ષકે કહ્યું, “અમે રાંચીના વન સંરક્ષકની અધ્યક્ષતામાં ચાર વિભાગના વન અધિકારીઓની સમિતિ બનાવી છે. કમિટી તપાસ કરશે કે માત્ર એક હાથીએ તમામ 16 લોકોને માર્યા છે કે એકથી વધુ હાથીએ આતંક મચાવ્યો છે. જો માત્ર એક હાથીની વાત આવે તો બે દિવસમાં નિર્ણય લઈ શકાય. સામંતે વધુમાં કહ્યું કે એવું લાગે છે કે હાથીના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો છે. કમિટી તપાસ કરશે કે હાથી જાણી જોઈને લોકોને મારી રહ્યો છે કે પછી લોકો પોતે જ તેમના મોત માટે જવાબદાર છે.
અત્યાર સુધીમાં 16 લોકોના મોત
રાંચીના ડીએફઓ વર્માએ જણાવ્યું છે કે લોહરદગા જિલ્લામાં સોમવાર અને રવિવારે બે મહિલાઓ સહિત ચાર લોકોને હાથીએ કચડી માર્યા હતા. એવું લાગે છે કે સોમવારે રાત્રે રાંચીથી લગભગ 25 કિલોમીટર દૂર ઇટકી બ્લોક પહોંચેલા હાથીએ હુમલો કરીને બે મહિલાઓ સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી.
રાંચીના ડીએફઓએ કહ્યું કે આશંકા છે કે આ હાથીએ લગભગ 12 દિવસ પહેલા હજારીબાગમાં પાંચ લોકોની હત્યા કરી હતી. તે પછી તે રામગઢ તરફ ગયો, જ્યાં તેણે ગોલા વિસ્તારમાં એક વ્યક્તિને કચડી નાખ્યો. આ પછી તે ચતરા ગયો, ત્યાં પણ તેણે એક વ્યક્તિની હત્યા કરી. તેમણે કહ્યું છે કે અમે હાથીની તસવીરો અને અન્ય પાસાઓની તપાસ કરી રહ્યા છીએ કે શું આ તમામ ઘટનાઓ પાછળ એક જ હાથી છે કે એકથી વધુ હાથીઓએ આતંક ફેલાવ્યો છે.