દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને CBI દ્વારા સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે તેના રિમાન્ડ અંગે નિર્ણય સંભળાવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના પાંચ દિવસના રિમાન્ડ CBIને આપ્યા છે. એટલે કે મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડમાં રહેશે. સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.
સીબીઆઈએ કોર્ટને કહ્યું કે સિસોદિયાના કહેવા પર કમિશન 5 કરોડ રૂપિયાથી વધારીને 12 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. પૂછપરછ માટે રિમાન્ડની જરૂર છે. સીબીઆઈ દ્વારા માંગવામાં આવેલા મનીષ સિસોદિયાના રિમાન્ડનો તેમના વકીલ દયાન કૃષ્ણાએ વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે રિમાન્ડ માંગવાનું કોઈ કારણ નથી અને તપાસમાં અસહકારના આક્ષેપો પાયાવિહોણા છે. સિસોદિયાના વકીલે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ કમિશનમાં વધારો કરવામાં આવ્યો છે.