છોટાઉદેપુર જિલ્લાનાં રહેવાસી વાલસિંહ રાઠવા જણાવે છે કે ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વેના ભંગોરીયા હાટની મોજ માણતા હોય છે.
ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં એમ બે પ્રકારના ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી ચાંદીના કહળા, કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે,
એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય છે.
ભંગોરીયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે,અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે.