છોટાઉદેપુરમાં મહિલા પોલીસ સ્ટેશન પાસે જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો હતો. જેમાં અંદાજીત 7 હજારથી વધુ આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. અને રામઢોલ, પાવા, કરતાલો, ત્રાંસા સાથે એકજ જેવા પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અને અલંકારો પહેરી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી. જેમાં છોટાઉદેપુરના ચીલીયાવાટ, તણશ્યા, ફલિયામોહ, ઝડુલી અને આત્રોલીની ટુકડીઓ આવી હતી અને નાચગાન કરી ઉમંગ ઉત્સાહ સાથે ભંગોરીયાનો આનંદ માણ્યો હતો. વર્ષો જૂની પરંપરા મુજબ એકજ પહેરવેશમાં સજ્જ થઈ આદિવાસી યુવાનોએ નાચગાન કરી આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે.
છોટાઉદેપુર 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળીનું છે. હોળીનો પર્વ ધામધૂમ પૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં ભરતા અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગોરીયાનો હાટ કહેવાય છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા જેમ કે કપડાં, બુટ ચપ્પલ, મસાલા, વાસણ, અનાજ કરીયાણુ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે. જેના ભાગરૂપે અલગ અલગ ગામની નૃત્ય મંડળીઓ રામ ઢોલ ત્રાંસા સાથે ઝૂમી ઉઠ્યા હતા.