વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવા માટે અમદાવાદ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયાની લડાઈ રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતે 571નો મોટો સ્કોર બનાવ્યો, આ સાથે તેની પાસે મેચના છેલ્લા દિવસે ઈતિહાસ રચવાની તક છે.
પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે માત્ર અમદાવાદ ટેસ્ટ જ જરૂરી નથી. કારણ કે આ ટિકિટ માટે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ પર ઘણું નિર્ભર રહેશે. 13 માર્ચે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી અમદાવાદ ટેસ્ટનો છેલ્લો દિવસ ચાલી રહ્યો છે ત્યારે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચનો અંતિમ દિવસ પણ ચાલી રહ્યો છે.
છેલ્લા દિવસે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાંચમા દિવસના બીજા સેશન સુધીમાં ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી છે અને તેનો સ્કોર 100થી વધુ છે. એટલે કે છેલ્લી 32 ઓવરમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 185 રનની જરૂર છે. આ સાથે જ શ્રીલંકાને ઈતિહાસ રચવા માટે 7 વિકેટની જરૂર છે.
ભારત માટે પરિણામ કેટલું મહત્વનું છે?
- જો શ્રીલંકા આ ટેસ્ટ મેચ જીતે છે, તો ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટિકિટ થોડા સમય માટે મોકૂફ થઈ શકે છે.
- જો ન્યુઝીલેન્ડ આ મેચ ડ્રો કરે છે અથવા જીતે છે, તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
- જો ક્રાઈસ્ટચર્ચની મેચ ડ્રો થશે અને અમદાવાદની મેચ પણ ડ્રો રહેશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં પહોંચી જશે.
- જો શ્રીલંકાને ફાઇનલમાં પહોંચવું હશે તો તેણે ન્યૂઝીલેન્ડને બંને ટેસ્ટ મેચમાં હરાવવું પડશે. જે શ્રીલંકા માટે ઘણું મુશ્કેલ બની શકે છે.
એટલે કે શ્રીલંકાની જીત ભારત માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો શ્રીલંકા પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને હરાવે અને અહીં ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ મેચ ડ્રો થાય. ત્યારે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ માટે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટની રાહ જોવી પડશે. કારણ કે જો શ્રીલંકા ત્યાં પણ જીતશે તો તે ફાઇનલમાં પહોંચી જશે પરંતુ જો મેચ ડ્રો થાય છે અથવા ન્યુઝીલેન્ડ જીતે છે તો ભારત ફાઇનલમાં પહોંચી જશે.
WTC પોઈન્ટ ટેબલ (2021 – 2023)
- ઓસ્ટ્રેલિયા – 68.52 ટકા પોઇન્ટ, 11 જીત, 3 હાર, 4 ડ્રો
- ભારત – 60.29 ટકા પોઈન્ટ, 10 જીત, 5 હાર, 2 ડ્રો
- દક્ષિણ આફ્રિકા – 55.56 ટકા પોઇન્ટ, 8 જીત, 6 હાર, 1 ડ્રો
- શ્રીલંકા – 53.33 ટકા પોઇન્ટ, 5 જીત, 4 હાર, 1 ડ્રો
- ઈંગ્લેન્ડ – 46.97 ટકા પોઈન્ટ, 10 જીત, 8 હાર, 4 ડ્રો
વર્તમાન પરિસ્થિતિ અને સમીકરણોને જોતા એમ કહી શકાય કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે, આ મેચ 7 જૂને લંડનના ઓવલ મેદાનમાં રમાવાની છે. ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી રહ્યું છે, છેલ્લી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું.