ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામેની 3 મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટથી હાર્યા બાદ બીજી વનડેમાં શાનદાર વાપસી કરી હતી અને એકતરફી 10 વિકેટથી જીત મેળવી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર 117 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની જોડીએ આ લક્ષ્ય માત્ર 11 ઓવરમાં હાંસલ કરીને ટીમને જીત અપાવી હતી.
118 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ પહેલી જ ઓવરથી જ આક્રમક રીતે રન બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ પછી, તેને રોકવો ભારતીય બોલરો માટે સંપૂર્ણપણે અશક્ય લાગતું હતું. ટ્રેવિસ હેડે 30 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી તો મિચેલ માર્શલે 36 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ માત્ર 9 ઓવરમાં જ ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડી દીધો હતો.
મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે મિચેલ સ્ટાર્કે સંપૂર્ણ રીતે સાચો સાબિત કર્યો હતો. ટીમ ઈન્ડિયાને ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ શુભમન ગિલના રૂપમાં આંચકો લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.