નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી અને યોગ્ય જવાબ નહિ, મળે તો કલેકટર કચેરી સામે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ગુરૂવારના રોજ ધરણા પર બેસવાની ચીમકી હતી તેને પગલે રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, ચૈતર વસાવા ધરણા પર બેસવા નીકળ્યા હતા ત્યારે ધરણાં પર બેસે તે પહેલા જ પોલીસે રસ્તામાં અટક કરી હતી.
રાજપીપળાના પ્રવેશ દ્વાર પાસે જ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણાં પર બેસવાની પરવાનગી માંગી હતી. પરવાનગી ન હોવાથી ધારાસભ્યએ માત્ર આવેદનપત્ર આપવા જતા હોવાની રજૂઆત કરી હતી. દરમિયાન પોલીસે સમગ્ર બાબતે લેખિતમાં લેવાની માંગણી કરી હતી. જે અંગે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે હાઇવે પર ઘર્ષણ સર્જાયું હતું, પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ બાદ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.
કલેકટર કચેરી ચૈતર વસાવા એ કહ્યું, પોલીસ અમને અટકાવી રહી છે, અમે પ્રજાના હિટ માટે લડીએ છીએ, સાત દિવસમાં નિર્ણય નહિ આવે તો તમામ જનતાને લઈને આવીશ, વિધાનસભાના ઘેરાવા પણ કર્યા છે, આ કલેકટર કચેરી ના ઘેરાવા કરવાની બહુ મોટી વાત નથી, અમે ધરણા પર બેસવાના હતા એટલે જાહેર નામુ બહાર પાડ્યું છે, અમે કોર્ટમાં જઈશું તમારા જાહેરનામાને પડકારવાના છે, આ ન્યાયતંત્ર છે, એ લોકશાહી થી ચાલે છે, બાબુશાહી નથી ચાલતી કે નોકર શાહી થી નથી ચાલતી.
વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લો કુપોષણ, સિકલ્સેલ, સિંચાઇ, આરોગ્ય અને જર્જરિત હાલતમાં આંગણવાડીઓ, શાળાઓ છે, આ પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકારી અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળીને 68 કરોડના સગેવગે કર્યા છે.