સંખેડા પીએસઆઈનો અનોખો પ્રેમ સામે આવ્યો છે.વર્તમાન સમયમાં જોઈએ તો માણસ-માણસ વચ્ચે પણ આટલી મિત્રતા ઓછી જોવા મળે છે. જે સાથે બેસીને ભોજન લેતા હોય પરંતુ એક એવી અનોખી મિત્રતા જે પ્રાણી પ્રેમનો અનોખો સંદેશ આપે છે. એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંખેડાના પીએસઆઈ અને કપિરાજ સાથે ભોજન લેતા નજરે પડે છે.
પી.એસ.આઈ અજય ડામોર જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે કપિરાજ આતુરતાથી રાહ જોતો હોય છે કે મિત્ર ક્યારે આવશે અને સાથે ભોજન લઈએ આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળતી હોય છે. પોતાનો પરિવાર જેમ રાહ જોતો હોય કે ઘરનો સભ્ય નોકરી પરથી આવશે અને સાથે ભોજન લઈએ આમ જ સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની કપિરાજ રાહ જોવે છે.
આ અનોખા પ્રેમ વિશે જ્યારે પીએસઆઇ અજય ડામોરને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, પહેલા કપિરાજ ઘરમાં આવી જે પણ ખાવાનું મળે એ લઈને ભાગી જતા હતા અને ભગાડવાનો પ્રયત્ન કરે તો તેઓ સામે હુમલો કરવા દોડતા હતા પરંતુ આ જોઈને એમને પ્રેમ ભાવથી મિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો અને ડર્યા વિના બિસ્કીટ અને પલાળેલા ચણા આપવાનું શરૂ કર્યું અને જે કપિરાજ હુમલો કરવા દોડતા એ આજે મિત્ર બની ગયા છે.