કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કંઈક નવુંજ કામ કરી બતાવ્યું છે. જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી હતી.
રિંકુએ યશ દયાલની બોલ પર પાંચ સિક્સર ફટકારીઃ-
મેચની છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 29 રનની જરૂર હતી. યશ દયાલની તે ઓવરમાં પ્રથમ બોલ પર ઉમેશ યાદવે એક રન લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. આ પછી જીતવા માટે પાંચ બોલમાં 28 રનની જરૂર હતી. ત્યાર બાદ ડાબોડી બેટ્સમેન રિંકુએ મેચમાં સિક્સરનો એવો એવો પંચ માર્યો કે ગુજરાતની ટીમ જોતી જ રહી ગઈ. રિંકુ સિંહ 21 બોલમાં 48 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો, જેમાં છ સિક્સર અને એક ફોરનો સમાવેશ થાય છે.
ગુજરાતને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતોઃ-
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 204 રન બનાવ્યા હતા. ગુજરાત માટે તોફાની બેટિંગ કરતી વખતે વિજય શંકરે 24 બોલમાં 63 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શંકરે છેલ્લી ઓવરમાં શાર્દુલને સતત ત્રણ સિક્સર ફટકારી હતી. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને પણ 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી.
કોણ છે રિંકુ સિંહ?
12 ઓક્ટોબર, 1997ના રોજ યુપીના અલીગઢમાં જન્મેલા રિંકુ સિંહની ક્રિકેટ સફર એટલી સરળ રહી નથી. રિંકુ સિંહ 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. તેના પિતા ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. આવી સ્થિતિમાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે રિંકુએ ક્રિકેટર બનવાનું નક્કી કર્યું. રિંકુની મહેનતનું ફળ ત્યારે મળ્યું જ્યારે વર્ષ 2014માં તેને ઉત્તર પ્રદેશ તરફથી લિસ્ટ-A અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી.