ગુરુવારે સુરત સેશન્સ કોર્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મોદી અટક સંબંધિત ટીપ્પણીને લઈને કોંગ્રેસ નેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ વાજબી નથી અને આ કેસમાં મહત્તમ સજા કરવાની જરૂર નથી. આ અરજી પર ગુજરાતની સુરત કોર્ટ 20 એપ્રિલે ચુકાદો આપશે.
સુરત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 13 એપ્રિલ, 2019ના રોજ ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક વિશેની ટિપ્પણી બદલ તેમની સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
કોર્ટમાં શું દલીલો કરવામાં આવી?
ભાજપના ધારાસભ્ય અને ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા પુનરાવર્તિત અપરાધી છે અને તેમને અપમાનજનક નિવેદનો કરવાની આદત છે. અધિક સેશન્સ જજ આર.પી.મોગેરાની કોર્ટમાં ગુરુવારે બંને પક્ષોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આરએસ ચીમાએ ન્યાયાધીશને કહ્યું કે ટ્રાયલ વાજબી નથી.
રાહુલ ગાંધીના વકીલે શું કહ્યું?
તેમણે કહ્યું કે મેજિસ્ટ્રેટનો આદેશ વિચિત્ર હતો કારણ કે ટ્રાયલ કોર્ટના જજે રેકોર્ડ પર ઉપલબ્ધ તમામ પુરાવાઓને મિશ્રિત કર્યા હતા. રાહુલ ગાંધી વતી ચીમાએ કહ્યું કે આ યોગ્ય સુનાવણી નથી. આ આખો મામલો ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, જેમાં મેં ચૂંટણી દરમિયાન ભાષણ આપ્યું હતું અને 100 કિલોમીટર દૂર બેઠેલા એક વ્યક્તિએ સમાચારમાં તે જોઈને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મહત્તમ સજા કરવાની જરૂર નહોતી.
કોર્ટ 20 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે
કર્ણાટકમાં રાહુલ ગાંધીના ભાષણને ધ્યાનમાં રાખીને કેસના અધિકારક્ષેત્ર અંગે ચીમાની દલીલના જવાબમાં ટોલિયાએ કહ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી દરમિયાન અગાઉ આવો કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો, પરંતુ હવે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં રાજ્ય સરકારને પણ પક્ષકાર બનાવ્યો છે. રાહુલ ગાંધીએ દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની પણ વિનંતી કરી છે. હવે કોર્ટ 20 એપ્રિલે આ અંગે પોતાનો ચુકાદો આપશે.