નર્મદા જિલ્લામાંથી મૂંગા પશુઓને કતલખાને લઈ જવાનો ધંધો મોટાપાયે ચાલી રહ્યો છે અને આવી ઘટનાઓ છાસવારે થતી રહે છે, ત્યારે ગત રાત્રે રાજપીપળા કાળા ઘોડા બસ સ્ટેન્ડ પાસેથી બજરંગ દળનાં કાર્યકર્તાઓએ એક પીકઅપ ગાડીમાં લઇ જવાતી ત્રણ ગાયને ઝડપી પાડી પોલીસને સોંપી હતી.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા બજરંગદળનાં પ્રમુખ પુષ્પરાજસિંહે આપેલી ફરિયાદ મુજબ તેમને મળેલી બાતમીનાં આધારે તેઓ અન્ય કાર્યકરો સાથે રાજપીપળા કાળા ઘોડા સર્કલ પાસે ઊભા રહી બાતમી વાળી પિકપ ગાડીને અટકાવી તપાસ કરતા બે ઈસમો 3 નંગ ગાયોને પિકપમાં નાખી મહારાષ્ટ્રના રેલગાવ મુકામે ગેરકાયદે લઇ જઇ રહ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે પીકપ ગાડી સહિત 3 લાખ 50 હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે.
તેમજ એક ઈસમ ગાડીમાંથી ઉતરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. આ બાબતે બજરંગદળનાં પ્રમુખે જણાવ્યું કે આ ગાડી વાળા પાસે જે પંચાયતનો દાખલો છે એ ગામમાં પંચાયત જ નથી માટે આવા બોગસ દાખલ લઈ મૂંગા પશુઓ ને લઇ જવાતા હોય તો આ બાબતની તટસ્થ તપાસ થવી જોઈએ જેથી બહુ મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે.