રાજધાની દિલ્હીની સાકેત કોર્ટમાં સસ્પેન્ડ થયેલા વકીલે એક મહિલાને જાહેરમાં ગોળી મારી દીધી. મહિલાને 3 ગોળી લાગી છે, જેને સારવાર માટે એઈમસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. મહિલાને થોડા કલાકો બાદ ત્યાંથી રજા આપવામાં આવી હતી. સાથે જ આ ઘટનાને અંજામ આપનાર આરોપી ઘટનાસ્થળેથી ફરાર છે. આ ઘટનાએ દિલ્હી પોલીસની સુરક્ષામાં રહેલી ક્ષતિઓને પણ ઉજાગર કરી છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલી બધી તપાસ છતાં એક વ્યક્તિ પિસ્તોલ લઈને કોર્ટ પરિસરની અંદર કેવી રીતે પહોંચી ગયો.
શું હતી સમગ્ર ઘટનાઃ-
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે એટલે કે 21 એપ્રિલે સવારે લગભગ 10:30 વાગે માહિતી મળી હતી કે સાકેત કોર્ટ પરિસરમાં એક મહિલાને ગોળી મારી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચે તે પહેલા ઘાયલ મહિલાને નજીકની એઈમસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહિલાની ઓળખ એમ રાધા તરીકે થઈ છે. પોલીસને ખબર પડી કે રાધા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે સાકેત પોલીસ સ્ટેશનમાં જ સસ્પેન્ડેડ એડવોકેટ કામેશ્વર સિંહ દ્વારા નોંધવામાં આવ્યો હતો.
આ મામલે કોર્ટમાં મધ્યસ્થી માટે બંને પક્ષકારોને શુક્રવારે બોલાવવામાં આવ્યા હતા. રાધા જ્યારે વકીલોના બ્લોક પાસે હતી ત્યારે કામેશ્વર સિંહ સાથે તેની દલીલ થઈ હતી. આ ચર્ચા દરમિયાન કામેશ્વર સિંહે રાધા પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી હતી. બે ગોળી રાધાના પેટમાં જ્યારે 1 ગોળી રાધાના હાથમાં વાગી હતી. અને રાધાના વકીલને પણ ગોળી વાગી હતી. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ઘટના બની તે સમયે કોર્ટ પરિસરમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
25 લાખ પાછળ ઝઘડો થયો હતોઃ-
ડીસીપી દક્ષિણ ચંદન ચૌધરીએ જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલા વકીલ અને પીડિત મહિલા રાધા વચ્ચે રૂપિયા 25 લાખને લઈને વિવાદ થયો હતો. આ કારણોસર, સસ્પેન્ડેડ વકીલે રાધા વિરુદ્ધ સાકેત કોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી બદલ FIR નોંધાવી હતી.
તપાસ કરવા છતાં પિસ્તોલ કેવી રીતે પહોંચીઃ-
સાકેત કોર્ટમાં ચાર દરવાજા છે, જ્યાંથી પ્રવેશ અને બહાર નીકળવામાં આવે છે. ગેટ નંબર 3 વકીલોના બ્લોક પાસે છે અને આ ગેટ દ્વારા સામાન્ય લોકો અને વકીલોની પણ એન્ટ્રી થાય છે. એન્ટ્રી ગેટ પર તમે જોશો કે 2 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર્સ ઇન્સ્ટોલ કરેલા છે. આ ઉપરાંત, બે પોલીસકર્મીઓ તૈનાત છે, જેઓ ડીએફએમડીમાંથી પ્રવેશ્યા પછી અંદર જતા લોકોને જાતે તપાસે છે. આ સિવાય મહિલાઓ માટે અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. તે રૂમમાં મહિલાઓનું ચેકિંગ કરવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ તપાસ કર્યા વિના અંદર જઈ શકશે નહીં. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આરોપી પિસ્તોલ લઈને કોર્ટ પરિસરની અંદર કેવી રીતે પહોંચ્યો. જ્યારે અમે ડીસીપીને આ જ પ્રશ્ન પૂછ્યો તો તેઓ પણ તેનો જવાબ આપી શક્યા નહીં. તેમણે કહ્યું કે આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.