તાપી જિલ્લામાં ફરી એકવાર જમીન સંપાદનનો મુદ્દે ઉછળ્યો છે. મંગળવારે જમીન સંપાદનના મુદ્દે આવેદનપત્ર આપવા ગયેલા ખેડૂતો અને આગેવાનોને પ્રાંત અધિકારી નહીં મળતા મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં માજી સાંસદ અમરસિંહ ઝેડ,ચૌધરી પણ જોડાયા હતા.
શું છે સમગ્ર મામલો ?
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થનાર છે. જેની માપણી બુધવારથી શરૂ થનારી હતી. જેમાં તાપી જિલ્લાના બે તાલુકાના ગામડાનો સમાવેશ થાય છે. જેમાં વ્યારા તાલુકાના 22 ગામડા જ્યારે ડોલવણ તાલુકાના છ ગામનો સમાવેશ થાય છે. જેની માપણી બુધવારથી શરૂ થનારી હતી.
જો કે બીજી મે સુધી જમીન માપણી શરૂ નહીં કરવાની પ્રાંત અધિકારી આર.સી પટેલે ખેડૂતોના આગેવાનોને આપી હતી. તે છતાં બુધવારથી જમીન માપણી શરૂ થવાની હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જમીન સંપાદનને લઈને અસરગ્રસ્ત ખેડૂતો જાહેર સુનાવણીની માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ માંગણી કેટલી સંતોષાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું.
પ્રાંત અધિકારીએ શું કહ્યુઃ-
જમીન સંપાદન મુદ્દે પ્રાંત અધિકારી આર.સી પટેલે કહ્યું કે, આ મુદ્દે જે સુનાવણીનો સમય હતો તે પૂર્ણ થઈ ગયો છે. તંત્ર દ્વારા પણ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તે છતાં કેટલાક ખેડૂતોમાં અસંતોષ છે તેમની રજુઆત સાંભળીને એક અઠવાડિયા પછી કામગીરી શરૂ કરવામાં આવશે.