તાપી જિલ્લામાં જમીન સંપાદનનો મામલો દિવસને દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. મંગળવારે તાપી જિલ્લાના વ્યારા સેવાસદન પાસે જમીન સંપાદનમાં જતી હોય તેવા ખેડૂતો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ખેડૂતો સાથે વિરોધમાં જોડાયા હતા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર-56 એટલે કે,વાપી-શામળાજી પસાર થનાર છે. અને તેની કામગીરી ચાલી રહી છે, જેમાં ડોલવણ તાલુકાના 28 ગામડાઓમાં રહેતા ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે. તેમજ વ્યારા તાલુકાના છ ગામડાઓના ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે. તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે.
જમીન સંપાદન મામલે આનંદ પટેલનું નિવેદનઃ-
MLAએ આનંદ પટેલે કહ્યું કે, અમારે કોઈપણ સંજોગોમાં જમીન આપવી નથી. તંત્રએ જે કરવું હોય તે કરે, નવું માર્જિન ઊભું કરીને સરકાર જે જમીન લેવા માંગે છે તે યોગ્ય નથી. ખેડૂતોની ફળદ્રુપ જમીન કોઈપણ સંજોગોમાં આપવી નથી. તંત્ર પાસે રિપોર્ટ પણ નથી કે, કેટલા ખેડૂતોને નુકસાન થાય છે. કેટલી સોસાયટીઓમાં નુકસાન થાય છે. ખેડૂતોના કેટલા કુવાઓમાં નુકસાન થાય છે.
તેમજ તંત્ર દ્વારા જે પણ નોટિસ ગ્રામપંચાયતમાં આપવામાં આવી છે. તે નોટિસ અંગ્રેજીમાં હોવાથી ગ્રામપંચાયતને પણ ખબર પડતી નથી. તો ખેડૂતોને ખબર કેવી રીતે પડે, તેમજ કોઈપણ જાતનો નક્શો પણ નથી. તંત્રએ જમીન સંપાદનના નામે રાજપત્ર જાહેર કર્યો હતો. જે નોટિફિકેશનના સમય પ્રમાણે ખેડૂતોએ વાંધો રજુ કર્યો હતો. ત્યાર બાદ તંત્રએ લોક સુનાવણી પણ રાખી ન હતી. અને જમીન સંપાદનની માપણી કરવા લાગ્યા તેનો ખેડૂતોનો વાંધો છે. જો તંત્ર આ મામલે યોગ્ય નિર્ણય નહીં લે તો,આગામી સમયમાં તાપી જિલ્લામાં મહાપંચાયત સહિત નેશનલ હાઇવે 56માં આવતાં તમામ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા મીટિંગ બોલાવવાની પણ તૈયારી બતાવી છે