ગયા અઠવાડિયાના શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરી અંગે દેશના વિવિધ ભાગોમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુજરાતના સુરતના એક ચા વિક્રેતાએ આ ફિલ્મ જોવાની ઓફર આપી છે, જે મુજબ તેને ફિલ્મની ટિકિટ બતાવવા પર ફ્રી ચા-કોફી આપવામાં આવશે. ચા વિક્રેતાએ તેની દુકાનની બહાર એક પોસ્ટર લગાવ્યું છે કે જો તેની દુકાન પર આવતા ગ્રાહકો ચાની દુકાન પર ફિલ્મની ટિકિટ બતાવશે તો તેમને મફતમાં ચા અને કોફી મળશે. તેમણે કહ્યું કે, આ ઓફર 15 મે, 2023 સુધી માન્ય છે.
ધ કેરળ ફિલ્મને ક્યાંક વિરોધ ક્યાંક સમર્થનઃ-
ધ કેરળ ફિલ્મને લઈ દેશભરમાં વિવાદ ચાલુ છે. એક તરફ જ્યાં કેટલાક લોકો આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવાની કવાયત પણ ચાલી રહી છે. તાજેતરમાં, પશ્ચિમ બંગાળના સીએમએ રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. મમતાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ ફિલ્મ સમાજમાં દુરાચાર અને દુશ્મનાવટ ફેલાવવાનું કામ કરે છે. એટલા માટે અમે ફિલ્મ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.
આવા કેટલાક પ્રતિબંધ તમિલનાડુમાં પણ લાદવામાં આવ્યા છે. જો કે, ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન આ પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને સ્ટાલિન-મમતા સરકાર દ્વારા તેમની ફિલ્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, એકવાર ફિલ્મ બની ગયા બાદ અમે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની સામે મૂકી હતી, જેણે ફિલ્મમાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં કટ કર્યા હતા અને પછી તેની રિલીઝ માટે સર્ટિફિકેટ આપ્યું હતું.