મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો મોટી બેંચને મોકલવામાં આવશે. CJIએ કહ્યું, નબામ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નને મોટી બેંચને મોકલવામાં આવે. કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે. જૂન 2022માં, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી.
આ પછી એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી. હવે 11 મહિના બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને મોટી બેંચને મોકલવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ મામલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, 21 જૂન-2022માં 16 ધારાસભ્યો ગુમ થયા અને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ ન થયા, બાદમાં શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી.