આજના સમયમાં જ્યારે આદિવાસી સમાજ અન્ય બહારથી આવેલા ધર્મોને ત્યાગી પોતાની અસલ આગવી ઓળખ, સંસ્કૃતિ, આદિવાસી બોલી, આદિવાસી વિધિઓ અને વારલી ચિત્રોની પરંપરાગત ઓળખને લઈને જાગૃત થઈ રહ્યો છે ત્યારે નવ યુવાનો દ્વારા લગ્નની કંકોત્રી અને ઘરની દીવાલો પર આદિવાસી એકતા ધ્વજના ચિન્હને મૂકી આદિવાસી એકતાનો શુભ મેસેજ મૂકી સમાજમાં જાગૃતિ અને પરિવર્તનને સમર્થન આપી રહ્યા છે.
લગ્નની કંકોત્રીમાં એકતા ધ્વજને સ્થાનઃ-
આ આદિવાસી એકતા ધ્વજને યુવાઓ પોતાની લગ્નની કંકોત્રીમાં સ્થાન આપી આદિવાસી એકતા નો મેસેજ ઘરે ઘરે પહોચાડી રહ્યા છે અને આદિવાસી આ દેશના મૂળ વારસો હોવાનો ગર્વ લઈ રહ્યા છે. આ ધ્વજ વિશેષતા તેના રંગોમાં અને પીંછામાં છે. જે વિશ્વના તમામ આદિવાસીઓને આગવી ઓળખ આપે છે. આ ધ્વજ વિશે પૂછતાં International Indigenous Unity Flag ના ભારતના ચીફ એમ્બેસેડર એડવોકેટ જિમી પટેલએ જણાવ્યું કે, આ ધ્વજમાં આવેલા લીલો રંગ ધરતી માતા ને દર્શાવે છે. મધ્યમાં આવેલ પીંછું દર્શાવે છે કે તમામ આદિવાસી એક છે. નાના નાના બિંદુઓ પ્રધાન, વૃદ્ધ અને લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા બિંદુઓ સંસ્કૃતિની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા બિંદુઓનું ચક્ર જે આપણા વિભિન્ન ગ્રહો પરની વિભિન્ન સંસ્કૃતિઓની પૂર્ણ એકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
આંતરરાષ્ટ્રીય આદિવાસી એકતા ધ્વજઃ-
international Indigenous unity flag વિશ્વમાં તમામ સંસ્કૃતિઓની એકતાનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. યુવાઓ દ્વારા વિશ્વફલક પર તેને સ્વીકારી લેવામાં આવ્યો છે અને આદિવાસી સમુદાય પોતાના પક્ષ, વડા, સમુદાયનું પ્રતિનિધિત્વ ઉજાગર કરવા પોતાના લગ્ન કંકોત્રીમાં આદિવાસી એકતા ચિન્હ ને સ્થાન આપી પોતાના સમુદાયને આગવી ઓળખ આપી રહ્યા છે.