આદિવાસી સમાજમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં સળગતો ડી લિસ્ટીંગના મુદ્દે શનિવારે અમદાવાદના રિવરફ્ર્ન્ટ પર આદિવાસી સમાજે મેગા રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લા જન જાગૃતિ મંચ દ્વારા રિવરફ્રન્ટ પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર કાઢવામાં આવેલી આ રેલીને સિંહ ગર્જના ડી લિસ્ટીંગ મહારેલી નામ આપવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજમાંથી જે લોકો ધર્માંતરણ કરે છે તેમનાં એસટી સમાજના લાભો દૂર કરવાની માગ સાથે રેલી કાઢવામાં આવી હતી. દાહોદ, ગોધરા સહિતના આદિવાસી જિલ્લાઓમાંથી લોકોને રેલી સ્થળે લાવવા માટે 300થી વધુ એસટી બસો ફાળવાઈ હતી.. મહારેલી સમયે રિવરફન્ટ તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા તો પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો.