વિકાસની મોટી-મોટી વાતો કરતી ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ છે. કારણ કે, તાપી જિલ્લાના કુકંરમુંડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભર ચોમાસે નદી ઓળવવા મજબૂર બન્યા છે.
કુકરમુડા તાલુકામાં આવેલી આષ્ટા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચાર જેટલા ગામના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી ટ્રાન્સપોર્ટનશનની સુવિધા અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા-જવા માટે હાલાકી નડી રહી છે. આ મામલે બાળકોના વાલીઓ દ્વારા કુકરમુડાં મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી બાળકોને કોઈ સુવિધા મળી નથી.
કુકરમુંડા તાલુકાના જુના ગોરાસા, અમોદા, પિપલા, અને ચિરમુટી ગામના 40થી વધુ વિદ્યાર્થીઓ ઘરેથી આષ્ટા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા-જવા માટે ટ્રાન્સપોર્ટશનની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ સુવિધા અચાનક બંધ કરી દેતા 40 જેટલા નાના-ભૂલકાઓ નદીના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે.
તાજેતરમાં કુકરમુંડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નદી નાળાઓ છલકાય ગયા હતા. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સુવિધા બંધ કરી દેવી કેટલી યોગ્ય કહેવાય, બીજી તરફ કુંકરમુડા ખેતીવાડી વાળો વિસ્તાર હોવાથી દિપડાની દહેશત પણ રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સુવિધા આપવી જરૂરી બને છે.